Our Publication (Books)
-
-
કલિકાલ સર્વજ્ઞ અને કુમારપાળ
-
"કલ્યાણ માસિકના હજારો વાચકોને જકડી રાખનારી કલમના કસબી પૂ.પંન્યાસપ્રવર શ્રી પૂર્ણચન્દ્ર વિજયજી ગણિવરના અઢળક સાહિત્યને પુસ્તકકારે પ્રસિદ્ધિ આપવાની લોકોની લાગણી-માંગણીને મોડી મોડી પણ સત્કારવા, સન્માનવા અને ધ્યાનમાં લેવા બદલ સૌ પ્રથમ સંસ્કૃતિ પ્રકાશનને હાર્દિક શુભેચ્છા ! સંસ્કૃતિ પ્રકાશને પોતાની સાહિત્ય સફરનાં પ્રથમ પગલે 'કલિકાલ સર્વજ્ઞ અને કુમારપાળ' નું રૂપ-રંગ-મઢ્યું જે રીતે પ્રદાન અને પ્રકાશન કર્યું છે, એ જોતાં એની ભાવિ યાત્રાની ભવ્યતાની કલ્પનાથી તન-મન પ્રસન્ન બની ઉઠે છે. કલિકાલસર્વજ્ઞ અને કુમારપાળના જીવન-સંગમથી સર્જાયેલા ધર્મ રંગોનું પ્રતીક બની શકે, એવી સૂર્યોદયી સંધ્યાના ઈન્દ્રધનુ રંગોથી મનમોહક મુખપૃષ્ઠ ધરાવતું આ પુસ્તક અઢાર અઢાર દેશોમાં ‘અહિંસા પરમો ધર્મ’ નો ડંકો વગાડી જનારા ‘કલિકાલસર્વજ્ઞ અને કુમારપાળ’ ના 27 જીવન-પ્રસંગોનો રસથાળ લઈને આવ્યું. મર્દાનગી, દેવ-ગુરુ-ભક્તિ કાજે સહાદત ધર્મ-રાષ્ટ્ર તરફ વફાદારી, ખતરનાક ખેલ વચ્ચેય ખળખળતી ખુમારીઃ ઈત્યાદિ વિરલ-વિશેષતાઓ ટંકાર જગવી જતા આ જીવન-પ્રસંગોના વાચનની પળોમાં વાચકો સોલંકી-સમયના એ વાતાવરણ વચ્ચે વિહરતા થઈ ગયા વિના નહિ જ રહી શકે, એવું સચોટ અને ચોટદાર પ્રસંગોનું ચિત્રણ-લેખન થયું છે. આનાં વાચન બાદ વાચકો એવી મનોરથ માળા ગૂંથ્યા વિના નહિ જ રહી શકે, એવું સચોટ અને ચોટદાર પ્રસંગોનું ચિત્રણ-લેખન થયું છે. કલિકાલ સર્વજ્ઞની સળંગ જીવન-કથા વહેલી તકે સમાજ સમક્ષ પ્રસ્તુત થાય ! કલિકાલ સર્વજ્ઞનું અદ્ભુત ગુરુત્વ અને કુમારપાળનું અદ્ભુત-શિષ્યત્વઃ આ બેનાં દર્શન પામવા અને આ દ્વિભેટે સરજાયેલા સુવર્ણાક્ષરી ઈતિહાસની સુવાસ-પ્રવાસ માણવા પાશેરામાં પહેલી પૂણી તરીકે આ પ્રકાશનને બિરદાવવું જ રહ્યું.
-
-
-
અંધારે અજવાળાં
-
જૈનત્વને જ્વલંત બનાવતી 13 વાર્તાઓનો આ સંગ્રહ ખરેખર નામ મુજબ અંધારે અજવાળા વેરવા સમર્થ છે. હજી નજીકના જ ભૂતકાળને ભવ્યતા આપનારા મહાપુરુષોના મિલન માટે અપૂર્વ આલંબન પૂરો પાડનારા આ વાર્તા સંગ્રહના માધ્યમે શેઠ જગડૂશાહ, શેઠ મોતીશાહ, મહામાત્ય શાંતૂ મહેતા, શેઠ બાલા શાહ, શેઠ રાજિયા વાજિયા, ભાણાજી ભાંડારી અને લીંચના શેઠ હઠીસીંગભાઈ આદિના ભવ્ય જીવનનું જે શબ્દ ચિત્ર વાચકની સમક્ષ ઉપસ્થિત થાય છે, એ હૈયાને અહોભાવથી ભરપૂર બનાવી જવા સમર્થ છે. આની કથા-શૈલી એવી તો અદ્દભુત અને આકર્ષક છે કે, શબ્દોના વહેણમાં વહેતો વહેતો વાચક છેક ભૂતકાળમાં સરકી જાય અને મહાપુરુષોના મિલન-મંદિર તરીકે આ કથા-સંગ્રહને આવકાર્યા વિના ન જ રહી શકે.
-
-
-
ઝેર તો પીદ્યાં જેણે જાણી જાણી
-
અહિંસાની સુરક્ષા કાજે જાણી-જાણીને ઝેરને ગટગટાવી જનારા 12 જેટલા અહિંસાવીરોની સત્ય ઘટનાઓ આમાં એવો શૌર્ય-ઝરતા શબ્દોમાં રજૂઆત પામી છે કે, જેનું વાંચન ભલભલાના શરીરના રૂંવાટે રૂંવાટા ખડા કરી દીધા વિના ન રહે. “અહિંસાને આમંત્રણ પત્રિકા” અને “જુહારવા જેવાં જવામર્દો” નામક પ્રકાશકીય અને લેખકીય તો હૈયાના તારેતારને ઝણઝણાવી મૂકે એવું છે. હિંસાથી ભર્યાભર્યા વાતાવરણ વચ્ચે આ વાર્તાસંગ્રહ ખરેખર અહિંસાની અહાલેક જગવી જાય એવો છે. તેમ જ નજીકના જ કાળમાં બનેલી સત્યઘટનાઓ આમાં રજૂ થઈ હોવાથી આની અસરકારતા કેઈ ગણી વધી જાય એ સહજ છે.
-
-
-
દરિયામાં એક વીરડી મીઠીઃ
-
ખારી ખારી દુનિયાના દરિયામાં મીઠાશ માણનારી થોડી ઘણી જે વિભૂતિઓ હજી નજીકના જ ભૂતકાળમાં થઈ ગઈ, એમનાં જીવનની સત્ય ઘટનાઓ જાણીએ તો અંતરમાંથી એવો અહોધ્વનિ સરી પડ્યા વિના જ રહે કે, ભાઈ! આ તો દરિયામાં એક વીરડી મીઠી ! દરિયો ખારોધૂંધ હોય, એમાં નવાઈ નથી. પણ દરિયામાં મીઠી વીરડી મળી આવે, એને તો જરૂર નવાઈ ગણી શકાય. નવાઈ પેદા કરતી આવી 11 સત્ય ઘટનાઓ શૌર્યઝરતી કલમે પ્રસ્તુત-પ્રકાશનમાં રજૂ થઈ છે. એક એક ઘટના રોમાંચ ખડા કરી દે, એવી છે. ખારા ખારા દરિયામાં વસવું પડે, છતાં વીરડીની મીઠાશ માણવી હોય, તો આ વાર્તાઓ એકવાર વાચવી જ રહી.
-
-
-
મૃગજળની માયા
-
પ્રભુવીરના હસ્તે દીક્ષિત શ્રી ધર્મદાસ ગણિવરના સંસારી પુત્ર રણસિંહની જે વાર્તા સૃષ્ટિએ ‘કલ્યાણ’ના હજારો વાચકોનાં દિલને ડોલાવ્યા હતા અને જકડી રાખ્યા હતા, એ ‘મૃગજળની માયા’ના નામે ખૂબ જ સુંદર રૂપરંગમાં પ્રસિદ્ધ થયેલ છે. એક અદ્ભૂત વાર્તાસૃષ્ટિ અત્યદ્ભૂત શબ્દશિલ્પ પામીને રજૂ થાય, પછી એ અંગે કહેવાનું જ શું હોય? જૈન કથાઓ કેટલી બધી રસિક છે અને છતાં વૈરાગ્યનું તત્વ એમાં કેવું ઠાંસી ઠાંસીને ભર્યું પડ્યું છે? એની પૂરી પ્રતીતિ પામવા એકવાર તો આ વાર્તા વાંચી જવાનો અનુરોધ કર્યા વિના રહી શકાય એમ નથી. વાચતા વાચતા મૃગજળની માયા સમા સંસારની ભીષણતા ખડી થાય અને છતાં વાર્તા-રસ અંકબંધ જળવાઈ રહે, એવી શૈલીના જૂજ લેખકોમાં પૂજ્યશ્રીનું સ્થાન ઠીક ઠીક અગ્રગણ્ય શા માટે છે ? એનો જવાબ શોધવો હોય, તોય આ સળંગ વાર્તા એકવાર વાચવી જ રહી. જળ અને મૃગજળ વચ્ચેનો ભેદ દર્શાવવા પૂર્વક મૃગજળ પાછળ મૃગ બનીને દોડતા માનવના અંતે કેવા હાલ-બેહાલ થાય છે, એ દર્શાવતી 22 પ્રકરણોનો વિસ્તાર ધરાવતી આ વાર્તા સંસારનું નગ્ન સ્વરૂપ આંખ આગળ ખડું કરી દે એવી છે.
-
-
-
પળ પળના પલટા
-
શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા એમના પિતા સોમચંદ્ર તથા નાનાભાઈ વલ્કલચીરીના જીવન સાથે સળંગ-કથા રૂપે ‘પળપળના પલટા’ના નામે અત્યાકર્ષક-રૂપ-રંગમાં પુસ્તકાકાર પામી છે. હૈયાના તારેતારને હચમચાવી મૂકે એવું આ કથાનું વાચન વાચકના દિલમાં પળેપળે પલટાતા સંસારનું એક વાસ્તવિક છતાં રસિક સ્વરૂપ-દર્શન કરાવવામાં ખરેખર ખૂબ જ સફળ સાબિત થયા વિના નહિ જ રહે ! પ્રસિદ્ધ કથા અહીં એક એવી શૈલીથી રજૂ થઈ છે કે, વાચતા જઈએ એમ કથા ત્રિપુટી નવીનવી જ લાગવા માંડે અને પ્રતીક્ષાનો છેડો છેક પૂર્ણાહુતિ સુધી લંબાતો જ રહે ! મનના મોડ કેવા અજોડ હોય છે, પળપળના પલટા કેવા ચિત્ર-વિચિત્ર હોય છે અને મોક્ષે પહોંચાડવા સમર્થ આપણું મન આપણને કઈ રીતે બંધન અને બેડીમાં બદ્ધ બનાવતું હોય છે, એની સચોટ સમજણ આ કથાના માધ્યમે મળી શકે છે.
-
-
-
કમળની કેદ
-
કામણગારી કથા-કલમના કસબી પૂજ્યશ્રી દ્વારા આલેખિત, એક એકથી ચડિયાતી 11 જૈન વાર્તાઓના સુરમ્ય-સંગ્રહ સમા ‘કમળની કેદ’માં જે જૈનવાર્તાઓ જે રીતે રજૂ થઈ છે, એને અભિનંદવા શબ્દો જડે એમ નથી! આ વાર્તાઓમાં પણ ભગવાન મહાવીરદેવના પૂર્વભવ સંબંધી અત્યંત ઓછી પ્રચલિત ‘કમળની કેદ’ નામક જે વાર્તા રજૂ થઈ છે, એનું વાચન તો રુંવાડે રુંવાડા ખડા કરી દે, એવું અસરકારક છે, તેમજ કમળની એટલે સ્નેહની કેદ ભેદવી કેટલી કઠિન હોય છે, એનો હૂબહૂ ચિતાર દર્શાવી જાય એવી છે.
-
-
-
કલ્યાણ યાત્રા
-
કલ્યાણની યાત્રા કાજેની સફરને આગળ વધારવી હોય તો સાધનાનું કેવું શંબલ-ભાતું સાથે રાખવું જોઈએ, આ અંગેનું મનનીય માર્ગદર્શન સંસ્કૃત-સુભાષિતો પર કરાયેલા વિવેચનના માધ્યમે આ પુસ્તકમાં કરાવવામાં આવ્યું છે. સુભાષિતોની સૃષ્ટિ કેવી અર્થસભર હોય છે તેમજ ચિંતક સુભાષિતોમાંથી કેવા કેવા અવનવા રહસ્યોનું ઉદ્દ્ઘાટન કરી શકે છે, એનો સાક્ષાત્કાર પામવા આ પુસ્તકનું વાંચન કરવું જ રહ્યું.
-
-
-
સો સો સલામ સંસ્કૃતિને
-
મારવાડ-મેવાડની મર્દાનગીથી મહેકતી ધન્ય ધરતી પર એવા એવા સંસ્કૃતિના સંદેશાવાહક વીરો પેદા થયા છે કે, જેમણે પોતાનું સમગ્ર જીવન સંસ્કૃતિની સુરક્ષા કાજે સમર્પિત કરી દીધું હોય ! ઇતિહાસનાં પૃષ્ઠોમાંથી તારવેલા, સંસ્કૃતિને સો સો સલામ ભરનારા વીરોના 16 પ્રસંગો આ પુસ્તકમાં એવી શૌર્ય-ઝરતી કલમે કંડારાયા છે કે, વાચક પણ મનોમન સંસ્કૃતિને સો સો સલામ ભરવાની ભક્તિથી ભાવિત બન્યા વિના ન રહી શકે.
-
-
-
ચિંતન અને ચિનગારી
-
ચિંતા જેને ચિતા બનીને જલાવતી હોય, એણે ચિંતાને ચિંતનમાં પલટાવીને ચિંતન-ચિનગારીના માધ્યમે પોતાના જીવન-પથને પ્રકાશિત કરવાની કળા હસ્તગત કરવી હોય, તો કેવું વાંચવું-વિચારવું જોઈએ ? તેમજ કઈ રીતનું વર્તન રાખવું જોઈએ કે, જેથી ચિંતન ચંદન બનીને એને શીતળતા આપે અને ચોમેર સુવાસ ફેલાવે, એનું દિગ્દર્શન કરાવતું આ પુસ્તક મનોહર મુખપૃષ્ઠથી પણ આકર્ષક બનવા પામ્યું છે.
-
-
-
વેર અને વાત્સલ્ય
-
10 ભવોમાં વિસ્તરેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની જીવન-કથા અદ્ભૂતતાના ભવ્ય ભંડાર સમી છે. ‘વેરથી વિનાશ અને વાત્સલ્યથી વિકાસ’નો સંદેશ સુણાવતાં પાત્રોથી સભર એ ભવકથા ઉપરાંત બીજી પણ પાંચેક-જૈન વાર્તાઓ આ પુસ્તકમાં શબ્દસ્થ બની છે. વિનાશક વેરનો વિપાક અને વિકાસના વાહક વાત્સલ્યનો પુણ્ય પ્રભાવ સમજવા આ કથાઓ ખૂબ ખૂબ ઉપકારક બને એવી છે. મગધનરેશ શ્રેણિકના પૂર્વભવને વર્ણવતી સુમંગલની પાત્ર-સૃષ્ટિ તો જૈન-જગતથી અજ્ઞાત-પ્રાયઃ હોવાથી ખાસ પઠનીય છે.
-
-
-
શૌર્ય અને શહાદત
-
આપણે હજી નજીકનો જ ભૂતકાળ શૌર્ય અને શહાદતથી ભર્યો ભર્યો હતો, એથી જ સંસ્કૃતિ અને ધર્મની સામે આક્રમણ કરનારાઓને એવો જડબાતોડ જવાબ મળતો કે, આક્રમકો ધર્મ સામે આંગળી કરવાની હિંમત જ ન કરી શકતા! આવા ભૂતકાળને વર્તમાનકાળ બનાવવો, એ હાલનું વાતાવરણ જોતા અશક્ય પ્રાયઃ જણાય છે. આમ છતાં એ ભૂતકાળની સ્મૃતિઓને નજર સમક્ષ ઉપસાવવી, એ તો અશક્ય નથી. ‘શૌર્ય અને શહાદતમાં આવો જ એક પુણ્યપ્રયાસ કરવા દ્વારા ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે શૌર્ય દાખવનારા અને શહાદત સ્વીકારનારા પ્રતાપી પૂર્વજોના 15 જેટલા કથા-પ્રસંગો શૌર્યઝરતી કલમે રજૂ થયા છે. એક એક કથાપ્રસંગ એવી જુસ્સાભરી કલમથી કંડારાયો છે કે, વાચતા જ રુંવાટા ઊભા થઈ જાય છે.
-
-
-
પ્રકાશ પ્રતિ પ્રયાણ
-
જૈન સંસ્કૃતિનો જયકાર જગવતી અને પ્રકાશ પ્રતિ પ્રયાણ કરવા પ્રેરતી 13 વાર્તાઓનો આ સંગ્રહ ખૂબ જ સુંદર સાજ-સજ્જા સાથે પ્રગટ થયો છે. અંધકારને એના હૂબહૂ સ્વરૂપમાં ઓળખાવીને ‘પ્રકાશ પ્રતિ પ્રયાણ’ કરવાની પ્રેરણા કરતા 13 કથાનકો હૈયું ઝણઝણી ઉઠે, એવી કલમે કંડારાયા છે. જૈન સાહિત્યના સાગરમાંથી ચૂંટી-ચૂંટીને તારવેલાં આ 13 કથા-રત્નો અહિંસા, નવકાર, પ્રમાદ, મનોજ્ય, અભિમાન, મર્યાદા, મૌન, પુષ્પપૂજાઃ આદિ વિષયોના વણાટથી શોભી ઉઠ્યા છે.
-
-
-
કલ્યાણ મંત્ર
-
'કલ્યાણ' માસિકમાં પ્રકાશિત થતા અગ્રલેખોમાંથી ચૂંટી-ચૂંટીને 37 અગ્રલેખો આમાં પ્રથમવાર જ શબ્દસ્થ બન્યા છે. વિષય ચિંતન-મનનનો હોવા છતાં એવી રસિક શૈલીથી સંસ્કૃતના એક એક સુભાષિત પર વિવેચન થવા પામ્યું છે કે, જાણે કથા વાચતા હોઈએ, એવી રસાનુભૂતિ થયા વિના ન રહે, સંસ્કૃત-સુભાષિતો એવાં એવાં અદ્ભુત ચિંતનોથી સમૃદ્ધ હોય છે કે, એના શબ્દે શબ્દ મંત્ર એવા મહિમાશાળી જણાયા વિના ન રહે. કલ્યાણનો મંત્ર સુણાવી જતું આ વિવેચન આપણાં જીવનને એક નવી જ દિશા અને નવા જ દેશ-ઉદ્દેશ ભણી આંગળી ચીંધી જાય એવું છે.
-
-
-
તૂટ્યા તાર ગુંજે ગીત
-
‘તૂટ્યા તાર ગુંજે ગીત’માં જગડૂશાહ, પૂ. ઉપાધ્યાયજીશ્રી યશોવિજયજી ગણિવર્ય, મહામંત્રી વસ્તુપાલ-તેજપાલ તથા શેઠ મોતીશાહના જીવન પ્રસંગો રજૂ થયા છે. આ જીવન પ્રસંગો એટલા તો રસિક અને એટલા તો રોમાંચક છે કે, જેનું વાચન કરતાં કરતાં વાચક કોઈ અવનવી ભૂતકાલીન-સૃષ્ટિની સફરે ઉપડી ગયા વિના ન રહે, કેટલીક વિભૂતિઓ એવી હોય છે કે, જેમની જીવન-વીણાના તાર તૂટી ગયા હોવા છતાં એ તાર પર ગવાયેલાં ગીત આજે પણ ગુંજતા જ હોય. આવાં ગીતો માણવા આ પુસ્તક વાચવું જ રહ્યું.
-
-
-
યુદ્ધ વિરામ
-
પ્રત્યેક બુદ્ધનું વ્યક્તિત્વ જૈન જગત માટે ખૂબ જ જાણીતું હોવા છતાં જૈનશાસનમાં થઈ ગયેલા ચારે-ચાર પ્રત્યેક બુદ્ધોનું જીવન ઠીક ઠીક અજાણ્યું છે. એમાંય હજી નમિરાજર્ષિનું જીવન થોડાઘણા અંશે પ્રસિદ્ધ છે, પણ કરકંડૂ, દ્વિમુખ, નગગતિઃ આ ત્રણે પ્રત્યેકબુદ્ધોના જીવન તો ઠીક ઠીક અજાણ્યા છે. ખરેખર ‘પ્રત્યેક બુદ્ધત્વ’ અને ચારે પ્રત્યેક બુદ્ધોનાં જીવન જાણવા/માણવા જેવા છે. પ્રસ્તુત પ્રકાશન એકી સાથે ચાર પ્રત્યેક બુદ્ધોનું જીવન લઈને પ્રસ્તુત થયું છે, એ ખૂબ જ આવકાર્ય છે. એકી સાથે ચારેય પ્રત્યેક બુદ્ધોની જીવન કથાઓ આ રીતે પહેલવહેલી જ પ્રકાશિત થઈ રહી છે. પહેલા પેજથી જ 277માં પેજ સુધી વાચકોને જકડી રાખતી રસિક વાર્તાશૈલીની વિશેષતા ધરાવતા અને ચાર જીવનકથાઓના રસિક સંચય સમા ‘યુદ્ધવિરામ’ માં પ્રથમ કથા કરકંડૂ-રાજર્ષિની છે. 11 પ્રકરણો ધરાવતી આ કથાનો પૃષ્ઠ વિસ્તાર 111 પેજનો છે. બીજી વાર્તા રાજર્ષિ દ્વિમુખની છે, 3 પ્રકરણો ધરાવતી આ વાર્તા 112થી 135 સુધીના પૃષ્ઠોમાં શબ્દાંકિત બની છે, 7 પ્રકરણો ધરાવતી ત્રીજી વાર્તા રાજર્ષિ નગગતિની છે, જેનો પૃષ્ઠ વિસ્તાર 137 થી 195 પેજ પ્રમાણ છે. છેલ્લી ચોથી વાર્તામાં નમિરાજર્ષિનું જીવન અંક્તિ છે. 10 પ્રકરણોમાં વિભક્ત આ વાર્તા 197 થી 278 પેજ સુધી વિસ્તરિત છે. આમ, 'યુદ્ધવિરામ' માં ખરેખર એક વાંચવા/વસાવવા જેનું પ્રકાશન છે.
-
-
-
મધબિંદુની માયા
-
'મધબિંદુ' ના આબેહૂબ-અફલાતૂન ચિત્રથી અંક્તિ મુખપૃષ્ઠથી પ્રારંભિત આ પુસ્તકમાં 12 જૈન કથાઓ કામણગારી કલમે શબ્દસ્થ બની છે. પહેલી જ કથા એટલી બધી રોમાંચક છે કે, એ કથા ઘર ઘરની ઘટના જણાયા વિના ન જ રહે. ઘરઘર અને ઘટઘટમાં ઘટતી આ ઘટના પરથી પુસ્તકે “મધબિંદુની માયા” આ નામ ધારણ કર્યું છે. એક પછી એક વધુને વધુ રસિક એવી શાસ્ત્રીય કથાઓના આ સંગ્રહમાં ‘ચૂલે ચંદરવો, લેખ મિટે નહીં, રક્ષા અમારો મંત્ર જેવી દીર્ધવાર્તાઓ તો ખુબજ રોચક-બોધક છે. મધમાખી જ નહિ, માનવ જેવો માનવ આજે મધબિંદુની માયામાં કઈ રીતે મોહાયો છે અને સ્વનાશ નોતરી રહ્યો છે, એનો હૂબહૂ ચિતાર પામવા આ પુસ્તક વાંચવું જ રહ્યું.
-
-
-
દાસઃ દેવાધિદેવના
-
જૈનવાર્તાઓના સુંદર સંચય સાર્થક નામાભિધાન પૂર્વક આ પુસ્તકમાં પ્રકાશિત થયો છે. કેમકે દેવાધિદેવના દાસ કેવા હોય, એનું કર્તવ્ય શું હોય ? એને સૂચવી જતી 9 વાર્તાઓ માં સિદ્ધહસ્ત કલમે કંડરાઈ છે. પ્રથમ વાર્તામાં મર્યાદાનું મહત્વ જે રીતે અંકિત થયું છે, એ વાર્તાંકિત મર્યાદાની હાનિથી સર્જાયેલો વિનાશ આજે જ્યારે નજરોનજર દેખાઈ રહ્યો છે, ત્યારે મહત્વનું માર્ગદર્શન કરાવી જાય એવું છે. અર્થની અનર્થકારકતાનો સ્પષ્ટ ચિતાર રજૂ કરતી દીર્ઘકથા પણ એટલી જ રોમાંચક છે. બીજી બીજી પણ વાર્તાઓ ખૂબ જ બોધપ્રદ છે, જેનાં બીજ જૈનશાસ્ત્રોમાં નિહિત છે. સનાતન-સ્વતંત્રતા સિદ્ધ કરવી હોય, તો સાચું સેવકત્વ સ્વીકારવું જ રહ્યું. કેમ કે સેવાના માધ્યમે જ સાચું સ્વાતંત્ર્ય સિદ્ધ થતું હોય છે, આ સત્યનો ઉધ્ધોષ વાર્તાઓના માધ્યમે આમાં પડઘા પાડી રહ્યો છે.
-
-
-
ફૂલ નાનું શૂલ મોટી
-
એક જ ભવમાં બે બે તીર્થંકરોનાં સાક્ષાત્ દર્શન પામનારા બડતાગીઓનાં નામ શાસ્ત્રોમાં જવલ્લે જ જોવા મળતા હોય છે. કામગજેન્દ્ર આવો જ એક બડભાગી રાજકુમાર હતો. ભગવાન મહાવીર દેવના સમયમાં આ તારક ઉપરાંત સાક્ષાત્ સીમંધર સ્વામીના સાક્ષાત્કારનો પણ અમૂલ્ય લાભ સાંપડ્યો હતો. આવા આ કામગજેન્દ્ર કુમારની રાગવિરાગના રંગથી ભરપૂર અદ્ભૂત કથા આ પુસ્તકમાં સળંગકથા રૂપે અંકિત થઈ છે. આમાં ફૂલ એ ભોગનું પ્રતીક છે અને શૂલ એ ભોગની પાછળ-આગળ રહેલી પીડા-વેદનાનું પ્રતીક છે. ભોગનું નાનકડું ફૂલ ચૂંટવા જતા વેદના/પીડાની કેવી મોટી મોટી શૂલોના ડંખ સહન કરવા પડતા હોય છે, એની કરુણ દાસ્તાન આ સળંગ વાર્તાના પ્રકરણે પ્રકરણે અંકિત છે. આપણાં હૈયાને હચમચાવી મૂકતી આ વાર્તા-સૃષ્ટિનાં વિચરતાં વિચરતાં આપણેય એમ બોલી ઉઠ્યા વિના નહિ રહી શકીએ કે, આ તો મજાનું ફૂલ નાનું પણ એની સજાની શૂલ કેટલી બધી મોટી!
-
-
-
કલ્યાણનો કુંભ
-
સુભાષિતો રૂપ સંતવાણીનો કલ્યાણકુંભ જેના હાથમાં આવીને હોઠ વાટે હૈયામાં પ્રવેશે છે, ત્યાં પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય છે અને બાકીના અભાગિયા જીવો માટે અંધકારમાં આમતેમ અથડાવું અનિવાર્ય બની રહે છે, આવા ભાવને આબેહૂબ અંકિત કરતું ટાઈટલ/મુખપૃષ્ઠ ધરાવતા આ પુસ્તકમાં સનાતન સત્યોના સંદેશવાહક સંસ્કૃત-સુભાષિતો અદ્ભૂત વિવેચન પૂર્વક પ્રસિદ્ધ થયા છે.
-
-
-
વાદળી કાળી કોર રુપાળી
-
શુદ્ધબુદ્ધની કથાસૃષ્ટિ આ પુસ્તકમાં આકર્ષક 26 ચિત્રો સાથે બાળભાષામાં મુદ્રિત બની છે. આ સળંગ વાર્તામાં શુદ્ધબુદ્ધની જીવનકથા પાનેપાને વધુને વધુ જિજ્ઞાસા જાગતી જાય, એવી બાળ શૈલીમાં આલેખાઈ છે. જીવનમાં કલ્યાણ મૈત્રીનું મહત્વ કેટલું બધું છે, નાદાનની દોસ્તી જો ખતરનાક ખેલ છે, તો ખાનદાન સાથેની મૈત્રીમાં સુખની રેલંછેલ છે. આ વાતને ધ્વનિત કરતી, બાળકોમાં સંસ્કાર સિંચનનું અદ્ભૂત કાર્ય કરતી આ કથા સૃષ્ટિ એક વાર તો અવશ્ય વાંચવા જેવી જ છે. શુદ્ધ બુદ્ધ વાચકોના દિલ પર એ રીતે પ્રભાવિત થતા જશે કે, ન પૂછો વાત! બાળશૈલીમાં કથાલેખન જ્યારે નહિવત થાય છે, ત્યારે ‘વાદળી કાળી’નું પ્રકાશન વધુ આવકારપાત્ર બન્યા વિના નહિ રહે. શુદ્ધ-બુદ્ધના પાત્રો કાલ્પનિક હોવા છતાં એના માધ્યમે જે બોધ મળે છે, એ તો સો ટચના સોના જેવો સાવ સાચો છે.
-
-
-
કલ્યાણ કંકોત્રી
-
કલ્યાણને ઘર આંગણે પધારવા માટે વિનવતી કંકોત્રી લખવી હોય, તો શું કરવું જોઈએ અને કયા શબ્દોમાં આમંત્રણ લખવું-આપવું જોઈએ? આનો જવાબ શોધવો હોય, તો સંસ્કૃત-સુભોષિતોમાં ગુંજતો સંતોનો ઉપદેશ-સંદેશ કાન ખુલ્લાં રાખીને સાંભળવો જોઈએ. આવો થોડોક ઉપદેશ-સંદેશ માર્મિક શૈલીથી આ પુસ્તકમાં શબ્દાંકિત બન્યો છે.
-
-
-
સંસ્કૃતિના સાદે
-
સંસ્કૃતિનો સાદ પડતા જ સાચો રજપૂત રણમેદાને ઝંપલાવી દીધા વિના ન જ રહે ! ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજેની દાઝથી ગૌરવોજ્જવલ ઈતિહાસનું સુવર્ણાક્ષરે સર્જન કરી જનારા તેર જેટલા સંસ્કૃતિ-સમર્પિતોની ઘટનાઓ આ પુસ્તકમાં અક્ષરાંક્તિ બની છે. સંસ્કૃતિના સાદે જગતને જગાડવું હોય, તો પરાક્રમથી ભર્યાભર્યા આ પ્રસંગો ખાસ વાચવા જેવા છે.
-
-
-
વરસે વાદળ ઝબૂકે બીજ
-
સચિત્ર બાળવાર્તાને શબ્દસ્થ કરતા આ પુસ્તકમાં વીરસેન-કુસુમવતીની વાર્તા-સૃષ્ટિ બાળકોને જકડી રાખે એવી શૈલી અને શબ્દોમાં રજૂ થઈ છે. પ્રસંગાનુરૂપ 15 ચિત્રો બાળકથાની રસ-જમાવટમાં અનેરી વૃદ્ધિ કરે એવા છે. વિપત્તિના વાદળ જ્યારે વરસી પડે છે અને વેદનાની વીજ જ્યારે કડાકા-ભડાકા સાથે તૂટી પડે છે, ત્યારે વીરસેન-કુસુમવતી એમાં કંઈ રીતે સપડાઈ જાય છે, એમાં પૂર્વકૃત પાપો કેવો ગોઝારો ભાગ ભજવતા હોય છે અને અંતે એમાંથી એ બંનેને ઉગારવા પુણ્યોદયનું કેવું પીઠબળ એકાએક મદદે દોડી આવતું હોય છે, એની રસાળ રજૂઆત કરતી આ વાર્તાના વાચન બાદ તો એટલો મુદ્રાલેખ નક્કી કરવા વાચક ભાવનાશીલ બનશે જ કે, પાપો કરીને કોઈ દહાડો એની પર હસતા રહેવું નહિ અને હસતાં હસતાં પણ કોઈ દહાડો પાપો કરવા નહિ.
-
-
-
પગલે પગલે પુણ્ય પ્રભાવ
-
'કલ્યાણ'માં પ્રકાશિત જીવનકથા ‘પગલે પગલે પુણ્યપ્રભાવ’ વાચકોમાં અનેરી પ્રિયતા પામી હતી, જન્મ નીચ કુળમાં મળ્યો, છતાં-અહિંસાવ્રતનાં અણીશુદ્ધ અણનમ આરાધનના પ્રતાપે પગલે પગલે પુણ્ય પ્રભાવ પાથરી જનારા અહિંસાવ્રતી હરિબળમાછીનું અદ્ભુત છતાં સદ્ભૂત અને હાથમાં લીધા પછી પુરૂં કરીને જ મૂકવાનું મન થાય, એવું કથાનક આ પુસ્તકમાં પ્રતિબિંબ બન્યું છે. ‘પુણ્ય-પ્રભાવ અને નિયમનિષ્ઠા’ની એક અનેરી સૃષ્ટિ ભણી વાચકોને દોરી જવા સમર્થ આ કથાશિલ્પ એવી કામણગારી શૈલીમાં કંડારાયું છે કે, એ શબ્દશિલ્પ પણ ધારીધારીને નિહાળવાનું મન થયા જ કરે છે ! હરિબળ એક માછીમારમાંથી મહાસામ્રાજ્યનો માલિક કઈ રીતે બની જાય છે, પૂર્વની પુણ્યાઈ અને અહિંસાવ્રતને અખંડ જાળવવાની ટેક એને કઈ રીતે સહાયક બને છે, એ જાણવાં/માણવા આ કથાના રસપ્રવાહમાં પ્રવાહિત થવું જ રહ્યું. પ્રવર્તમાન-પ્રચલિત કથાસાહિત્ય જોતા હરિબળની જીવનકથા આ રીતે પહેલવહેલી જ પ્રકાશિત થયાનું અનુમાન જો સાચું હોય, તો સંસ્કૃતિ પ્રકાશન માટે આ વાર્તાપુસ્તક ગૌરવ લેવા જેવું ગણાય.
-
-
-
ધૂપ સુંગધ
-
જીવન ટાણે તો મહાપુરૂષો પ્રેરણાનો વિશેષ વિશેષ પમરાટ ફેલાવતા જ રહેતા હોય છે. પરંતુ ધૂપ જેવી એમની જિંદગાનીની જ્યોત જ્યારે બુઝાઈ જતી હોય છે, ત્યાર પછી પણ એ જીવનની ધૂપસુગંધ ફેલાવો પામ્યા જ કરતી હોય છે. જૈન ઈતિહાસ ઉપરાંત જૈનજગતને સુકૃતોની સુવાસથી ભરી દેનારા મહાપુરૂષોના થોડાક જીવન-પ્રસંગો આ પુસ્તકના પાને પાને અંકિત બન્યા છે.
-
-
-
દંડનાયક મહામંત્રી વિમલ
-
આબુતીર્થોદ્ધારક વિમલમંત્રીની જીવનકથા સળંગ વિસ્તૃત જીવનચરિત્ર રૂપે પ્રાયઃ આ પુસ્તકમાં પ્રથમ વાર જ રજૂ થઈ રહી હશે. ઐતિહાસિક સંસ્કૃત ગ્રંથોમાં અને રાસ સાહિત્યમાં છૂટા છૂટા મણકાઓ રૂપે સચવાયેલા મંત્રીશ્વર વિમલના જીવન-પ્રસંગો આમાં માળા રૂપે ગુંથાઈને રજૂ થયા હોવાથી 26 પ્રકરણો અને 263 પૃષ્ઠોમાં વિસ્તાર પામેલી આ ‘વિમલ-વાર્તા’ આપણને ગુજરાતમાં એક સુવર્ણકાળ તરીકે પંકાયેલા મહારાજ-ભીમદેવના એ સમય સાગરના કિનારે દોરી જાય છે અને આપણે વર્તમાનના સ્થળ-કાળ વીસરી જઈને એ સુવર્ણયુગની સહેલગાહે ઉપડી જઈએ છીએ. વિમલના જીવનની ઝાંખી મેળવવા અને આબુતીર્થોદ્વારની વિસ્મયકારી વિગતો જાણીને રોમાંચિત બનવા આ કથા અચૂક વાંચવી જ રહી. શૌર્યરસ તો આ કથાનાં પ્રકરણે પ્રકરણે એવી રીતે ઠલવાયો છે કે, વાચતા વાચતા વાચક વીરરસના વહેણમાં જાણ્યે-અજાણ્યે વહેવા માંડે. શિલ્પના ટાંકણે પાષાણમાં પ્રાણ પૂરનારૂં આબુતીર્થ જેમ દર્શનીય છે, એમ શબ્દશિલ્પ દ્વારા સપ્રાણ બની ઉઠેલું આ પુસ્તક પણ એટલું જ દર્શનીય અને પઠનીય છે, એમ અતિશયોક્તિ વિના કહેવું જ પડે.
-
-
-
શૌર્યની શાહીથી
-
શ્રી વસ્તુપાલ-તેજપાલના શૌર્યની શાહીથી આલેખાયેલા જીવન-પ્રસંગોથી પ્રારંભાયેલા આ વાર્તાસંગ્રહમાં બીજી બીજી પણ હૈયાના તારને ઝણઝણાવી મૂકે, એવી વાર્તાઓ શૌર્ય ઝરતી કલમે કંડારાઈ છે. જે વાચકને કોઈ અનેરી દિશામાં દોરી જાય છે. ધર્મ અને સંસ્કૃતિની રક્ષા ખાતર આપણા પૂર્વજો જે રીતે ઝઝૂમ્યા અને એથી શૌર્યની શાહીથી જે ઇતિહાસ લખાયો, એ ઇતિહાસની સુવાસ માણવા આ કથા પ્રસંગો એકવાર તો અવશ્ય વાંચવા જેવા છે. કથાનું શબ્દશિલ્પ તો દર્શનીય છે જ. પણ ‘શૌર્યની શાહી’થી આ નામને તાદ્દશ ઉપસાવતું મુખ પૃષ્ઠ પણ એટલું જ આબેહૂબ બનવા પામ્યું છે.
-
-
-
શૌર્યનાં શિલ્પ
-
જૈન સાહિત્યના કથા ખજાનામાંથી વીણીવીણીને ચૂંટેલી 13 વાર્તાઓનો આ સંગ્રહ ખરેખર શૌર્યનાં શિલ્પથી જે રીતે સુશોભિત બન્યો છે, એનું સાચું દર્શન તો કથાવાચક જ માણી શકે. ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે સમશેર અને તલવારની ધારથી આપણા પૂર્વજો જે ‘શૌર્ય-શિલ્પ” સરજી ગયા, ખરેખર એનાં દર્શન માણવા જેવા છે, આવાં દર્શન પ્રસ્તુત વાર્તાઓના કથાએ કથાએ આને પાને પાને ઉપલબ્ધ છે. મુખ્યત્વે જૈન ઇતિહાસના શૌર્ય શિલ્પી શહીદોની શહાદતનાં શૌર્યગાન લલકારતો આ વાર્તા સંગ્રહ એ સત્યની પ્રતીતિ કરાવી જાય છે કે, શૌર્યનાં શિલ્પ કંડારવા માટે કઈ લોઢાની હથોડી કે છીણી કામ લાગતી નથી. એ તો કંડરાય છે હિંમતના હથિયારથી અને કૌવતની કટારીથી !
-
-
-
શૌર્યના શિલાલેખ
-
શૌર્યના શિલાલેખ કંડારતી ઐતિહાસિક અને રોમાંચક 9 વાર્તાઓના સંગ્રહ સમું આ પુસ્તક વાચકો સમક્ષ રોમાંચ ખડા કરી દે, એવી કથાસૃષ્ટિ આબેહૂબ ઉપસાવી જાય છે. ધર્મ કાજે મરી ફીટનારા ધર્મવીરો કર્તવ્ય કાજે કટિબદ્ધ બનીને શૌર્યના જે શિલાલેખ લખી ગયા, એને કાળ હજી ભૂંસી શક્યો નથી કે સ્થળની લંબાઈ હજી સુધી એમાંથી ફેલાતી પ્રેરણાની પમરાટને અટકાવી-રૂંધી નથી શકી, એવી પાકી પ્રતીતિ આ વાર્તાઓ કરાવી જાય છે.
-
-
-
ભોગે શૂરા ત્યાગે શૂરા
-
અત્યાકર્ષક ટાઈટલ સાથે ધન્ના શાલિભદ્રની જીવનકથા રસિક અને રોમાંચક શૈલીથી રજૂ થવામાં પામી છે. 17 પ્રકરણોના પ્રવાહમાં બંને જીવનકથાઓ જે રીતે સાથે સાથે આગળ વધે છે અને છતાં એક પણ કથામાં રસ-પ્રવાહની ક્ષતિ અનુભવાતી નથી, એ આ કથાના શબ્દશિલ્પની ઓછી વિશેષતા ન ગણાય ! આમાં કેટલાંય આખેઆખા પ્રકરણો તો એવા સરસ આલેખાયા છે કે, એને વાચનારની સામેથી લેખક જાણે ખસી જાય છે અને વાચક ધન્નાશાલિભદ્રની પાત્ર-સૃષ્ટિની વચ્ચે જ જઈને ઊભો રહી ગયો હોય, એવી સાક્ષાત્ અનુભૂતિ પામે છે. આદમીના અવતારમાં સ્વર્ગ સમા સૌભાગ્યનું સ્વામીત્વ શાલિભદ્રજીને મળ્યું હતું. તડકી-છાંયડી જેવું જીવન જીવતા ધન્નાજીનો સૌભાગ્ય-સૂર્ય અંતે પ્રકાશી ઉઠ્યો હતો, પરંતુ પરિવર્તનની છડી પોકારતી ઘડી આવતાં ભોગે શૂરા મટીને એઓ ત્યાગે શૂરા બની ગયા. એમની ભોગની ભાત અજબની હતી, તો એથીય વધુ ગજબની એમની ત્યાગની વાત હતી! આવો સાચો સાક્ષાત્કાર આ કથાના વાચનથી જ અનુભવાય છે.
-
-
-
મૈત્રીનાં મૂલ અમૂલ
-
એક એવી મૈત્રીનું પુણ્યદર્શન કરાવવામાં આવ્યું છે, જે મૈત્રીને બિરદાવવા માટે 'અમૂલ' નું વિશેષણ જ વાજબી લાગે. રાજવી ચિત્રસેનની મૈત્રી જાળવી જાણવા કાજે મિત્ર રત્નસારે જીવસટોસટના જે જખમો અને જોખમો હસતે હૈયે આવકાર્યા, પોતાની પર તલવારના ઘા ઝીલી લઈનેય એણે જે રીતે મિત્રને રક્ષવા વહાલની ઢાલ ધરી દીધી અને ચિત્રસેન રાજવીની સતીવ્રતા પદ્માવતી રાણીની શીલશક્તિએ કિનારે આવીને ડૂબવા લાગેલી નૈયાને જે રીતે પુનઃ હેમખેમ ઉગારી લીધી, એના આબેહૂબ આલેખનથી આ વાર્તા એટલી બધી રોમાંચક બનવા પામી છે કે, વાચન શરૂ કર્યા પછી વાર્તા પૂરી કર્યા વિના ન રહેવાય.
-
-
-
ભાગ્યચક્ર
-
સિદ્ધહસ્ત લેખક પૂજ્યશ્રીએ કથા સાહિત્યનાં લેખનની શરૂઆત વર્ષો પૂર્વે જે સળંગકથાના સર્જન દ્વારા કરી હતી, એ વીરભદ્રનું કથાનક ‘ભાગ્યચક્ર’માં પ્રસિદ્ધ થવા પામ્યું છે. ભાગ્યચક્રના સારા-નરસા ચક્રાવામાં જે રીતે વીરભદ્રનું જીવન તેજીમંદીના કડાકા અનુભવી રહ્યું, એનું ખૂબ જ માર્મિક ચિત્રણ ‘ભાગ્યચક્ર’માં વર્ષો પૂર્વે પૂજ્યશ્રીએ કર્યું હોવાથી અત્યંત રસપ્રદ આ પ્રકાશન 'પુત્રના લક્ષણ પારિણિયે' આ કહેવત મુજબ લેખનના પ્રારંભકાળે જ પૂજ્યશ્રીની શૈલીને કેવી સરસતા સ્વયં વરી હતી, એનું પણ દર્શન કરાવી જાય છે.
-
-
-
પુણ્યે જય પાપે ક્ષય
-
જૈન સાહિત્યમાં રાજકુમાર લલિતાંગની કથા ખૂબ જ પ્રસિદ્ધ છે, ‘પુણ્યે જય’ અને ‘પાપે ક્ષય’ નો પડઘો જગવતી આ કથા ખૂબ જ રસાળ-શૈલીએ આ પુસ્તકમાં આકર્ષક રૂપરંગમાં મુદ્રિત બની છે. પ્રાચીન કાળમાં તો આવો પક્ષપાતી વર્ગ ઘણો મોટો હોય, એ અસંભવિત ન ગણાય. આવા આધુનિક વાતાવરણમાં પુણ્યનો જયજયકાર અને પાપનો હાહાકાર સાંભળવા પ્રસ્તુત કથા અવશ્ય વાંચવા-વિચારવા જેવી છે. લલિતાંગનું જીવનસૂત્ર હતું ‘પુણ્યે જય ! કામથી દુર્જન પણ નામથી સજ્જન એવા એના મિત્રના જીવનનો ઘોંઘાટ હતોઃ પાપે જય! જગતને પણ એમ લાગવા માંડ્યું કે, પુણ્ય-પાપના આ સંઘર્ષમાં ચોક્કસ પાપ જ મેદાન મારી જવાનું ! પણ જીતની બાજી અણધારી પલટાઈ અને અંતે પુણ્યનો જ જયજયકાર થવા પામ્યો, એ કથા ખૂબ જ રોમાંચક –શૈલીથી આલેખાઈ છે. રાજકુમાર લલિતાંગ સૌજન્યનો સાગર હતો, જ્યારે માત્ર નામથી જ સજ્જન એનો સેવક દુર્જનતાનો દરિયો હતો. સ્વામી-સેવક સમા આ બેના માધ્યમો પુણ્ય-પાપ વચ્ચે ખેલાંયેલાં સંઘર્ષમાં અંતે વિજયને વરનારા પુણ્યની રોમાંચક રસિક કહાણી એટલે જ આ પુસ્તક !
-
-
-
લેખ મીટે નહીં મેખ લાગ્યો
-
આ પુસ્તકમાં અમરદત્ત અને મિત્રાનંદની ખૂબ જ રસિક અને રોમાંચક 9 પ્રકરણોમાં વિભક્ત વાર્તા એવી રસઝરતી કલમે આલેખાઈ છે કે, પ્રથમ પ્રકરણનો વાચક આખી વાર્તા વાંચીને પછી જ પુસ્તક હાથમાંથી નીચે મૂકે. લલાટે લખાયેલાં લેખ પર મેખ મારવા અમરદત્ત અને મિત્રાનંદે આકાશ પાતાળ એક થઈ જાય, એ જાતના કરેલા કેટ-કેટલાય ધમપછાડા અંતે કઈ રીતે સાવ નિષ્ફળ નીવડ્યા અને લેખ પર મેખ ન લાગી, આને હૂબહૂ વર્ણવતી અને કર્મની અકલ-અચલ લીલાનો તાદ્દશ ચિતાર રજૂ કરતી આ કથા વાચકની આંખ ઉઘાડી દેવા સમર્થ છે.
-
-
-
હસતાં તે બાંધ્યાં કર્મ
-
હસતાં હસતાં ઘણીવાર એવા કર્મો બંધાઈ જતા હોય છે કે, જે રોતાં રોતાં પણ છૂટી ન શકે. રડતાં રડતાં પણ ક્યારેય એવાં કર્મો બંધાઈ જતા હોય છે કે, જે માથું પટકીને પોક મૂકતાં પણ ન છૂટી શકે. આ રીતે હસતાં/રડતાં થયેલ કર્મબંધન કેવો કેવો વરવો વિપાક સરજી જતો હોય છે, એની સચોટ સાબિત કરાવતી મંગળ કલશની દિલદ્રાવક સળંગ કથા આ પુસ્તકમાં શબ્દ-શિલ્પિત બની છે. આ વાર્તા સૃષ્ટિમાં વિહાર માણતાં વાચકો સમક્ષ એ પંક્તિઓ ગુંજતી રહેશે કે, ‘બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ હસતાં તે બાંધ્યા કર્મ રોતાં નવિ છૂટે રે !
-
-
-
સુકૃત સાગર મહામંત્રીશ્વર પેથડશાહ
-
'કલ્યાણ'માં પ્રકાશિત થયા બાદ 'કલ્યાણ' દ્વારા જ પુસ્તકાકારે પ્રસિદ્ધ થયેલ ‘સુકૃત સાગર’ વર્ષોથી અપ્રાપ્ય હતું. આમાં વર્ણિત શ્રી દેદાશાહ, શ્રી પેથડશાહ અને શ્રી ઝાંઝણકુમારનું જીવન એટલું બધું રસિક-રોમાંચક અને પ્રેરક હતું કે, એની માંગણી સતત ચાલુ જ રહેતી હતી. એથી દ્વિતીયાવૃત્તિ રુપે સંસ્કૃતિ પ્રકાશન દ્વારા થયેલું ‘સૃકૃત-સાગર’ નું ભવ્ય ગેટ અપ સાથેનું આ પ્રકાશન જરૂર સાહિત્ય જગતમાં અનેરો આવકાર પામશે પ્રસ્તુત કથા. ‘પ્રસ્તુત કથા પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ લિખિત પ્રસ્તાવનાથી સમૃધ્ધ છે. 55 પ્રકરણોનો કથા-વિસ્તાર ધરાવતું મંત્રીશ્વરનું જીવન વાચતા વાચતા ખરેખર સ્થળ-કાળનો પડદો વચ્ચેથી હટી જતા વાચક માંડવગઢના એ મંત્રીશ્વરની સમક્ષ પહોંચી જતો હોય એમ લાગે, એટલું બધું સુરેખ અને સરસ કથા-લેખન થવા પામ્યું છે. જેમનાં નામ-કામ મંત્રાકાર જેવો મહિમા ધરાવતા હોય, એવી વિભૂતિઓમાં મંત્રીશ્વર પેથડશાહની પણ અગ્રગણના થતી હોવાથી એમનું જીવન વાચતા વાચકોના હૈયે પણ ભક્તિભાવનાનો સુકૃત-સાગર ભરતીએ ચડ્યા વિના નહિ જ રહે...
-
-
-
ગિરનારના ગીત ગાયકો
-
ગિરનારનાં ગીત ગાતાં ગાતાં આ તીર્થની રક્ષા-ભક્તિ કાજે ખપી ગયેલા વીરપુરુષોની ઐતિહાસિક ગાથા 9 કથાઓ દ્વારા આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે. પ્રાચીન ઐતિહાસિક સાહિત્યમાંથી ચૂંટીચૂંટીને રજૂ કરવામાં આવેલી આ કથાઓ વીર અને ભક્તિરસથી ભરપૂર છે, જે આપણી સમક્ષ એક અપ્રગટ-અપ્રત્યક્ષ અને અપરિચિત ઈતિહાસને તાજો બનાવે છે. ગિરનારના રોમાંચક ઈતિહાસની સુવાસથી આ પુસ્તકનું પાનેપાનું મધમધી ઉઠ્યું છે.
-
-
-
ધ્રુવધામ એકરામ
-
આ પુસ્તકમાં ધ્રુવધામ તરીકે જેઓશ્રીનાં નામકામ ઈતિહાસાંકિત બની ચૂક્યા છે, એવા પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં તેજસ્વી જીવન-પ્રકરણો ભક્તિભીની કલમે આલેખાયાં છે, જેનું વાચન કરતાં કરતાં હૈયું ભક્તિ-ભાવિત બની ઉઠે છે અને નજર સમક્ષ ગૌરવભર્યો એક ભવ્ય ભૂતકાળ ઉપસી આવે છે. ‘રામ’ ખરેખર ‘ધ્રુવધામ’ જ હતા, આવો નાદ જગવી જતું આ પ્રકાશન એકવાર તો અવશ્ય વાચવા જેવું જ છે.
-
-
-
શંખેશ્વરનાં શરણે
-
શંખેશ્વરના મહિમાથી સભર સત્ય ઘટનાઓ, પ્રભુ પ્રતિમાનો ઈતિહાસ, પોષ દશમી કથા, કલ્યાણક-આરાધનાની મહત્તા અને ફલવત્તા દર્શાવવા ઉપરાંત સૌ પ્રથમવાર જ પાર્શ્વ-પદ્માવતી કથાગીતઃ આટલું સાહિત્ય આમાં પીરસવામાં આવ્યું છે. શંખેશ્વરનાં શરણની શક્તિ આમાં ભક્તિ ભીની શૈલીમાં દર્શાવવામાં આવી છે. કથાગીતની રચના પૂ. મુનિરાજ શ્રી ઘુરંઘર વિજયજી મહારાજે પોતાની આગવી શૈલીમાં કરી છે, તો જીવન-પરિચય પૂ.આ.શ્રી પૂર્ણચંદ્ર સૂરીશ્વરજી મહારાજની કલમે રજૂ થવા પામ્યો છે. આ કથાગીત જો સુંદર શૈલીમાં ગાવામાં આવે, તો શ્રોતા પાર્શ્વ-પદ્માવતીની કોઈ નવી જ સૃષ્ટિમાં વિચરવા માંડે!
-
-
-
ગરવી ગાથા ગિરનારની
-
ગિરનારની ગરવી ગાથા ગાતાં આ પુસ્તકમાં ગિરનાર સાથે સંબંધ ધરાવતી 6 કથાઓ રસઝરતી કલમે આલેખાઈ છે. ઐતિહાસિક-ગ્રંથોમાંથી વીણીવીણીને રજૂ થયેલી, ઓછી પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ પ્રાયઃ આ કથાઓ વાચતા તીર્થભક્તિ ખાતર ખપી જનારા એ વીર-વિભૂતિઓના અનોખા જીવનપ્રસંગો નજર સમક્ષ એવી રીતે ઉપસી આવે છે કે, જેથી હૈયું ભક્તિથી સભર બન્યા વિના ન રહે.
-
-
-
યાકિની-મહત્તરા-સૂનુ
-
યાકિની-મહત્તરા-સૂનુ તરીકે 1444 ગ્રંથોમાં અમર બની જનારા પૂ.આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનું સંપૂર્ણ જીવન આ પુસ્તકમાં સળંગ કથા રૂપે આલેખાયું છે. આંખોમાંથી આંસુ ટપકાવે એવી આ કહાણી ખરેખર વાચવા જેવી છે. અનેક પ્રકરણોમાં પ્રવાહિત આ જીવન કથા એક જૈન આર્યા સંયમ-જીવનની મર્યાદા-ચુસ્તતા પર પણ વેધક પ્રકાશ પાથરી જાય છે.
-